કોઈ અજાણ્યા અતિથિને મકાઈના મીઠા રોટલા ન જમાડશો.


સાહેબ, આ રસ્તેથી ગાડી લઈ લઉં? ચાળીસેક કિલોમીટર ઓછા થઈ જશે.’ ડ્રાઇવરે એક ‘દોરાહા’ આગળ એમ્બેસેડરને સહેજ ધીમી પાડીને માલિકને પૂછયું. કારના માલિક પ્રશાંતભાઈએ કહ્યું, ‘હા, આપણે સમય પણ બચાવવાનો છે. આજે નીકળવામાં જ મોડું થયું છે. જો એકાદ કલાક બચી જતો હોય તો કંઈ ખોટું નથી, પણ આ ટૂંકો રસ્તો સારો તો છે ને?’ ‘હા, સાહેબ હું આ રસ્તા પરથી અનેક વાર ગાડી લઈને પસાર થઈ ચૂક્યો છું. રસ્તો ટનાટન છે. જોકે સડક જરાક સાંકડી છે, પણ એમ તો વાહનોની અવરજવર પણ આ હાઈ-વે કરતાં ઓછી હોય છે. એટલે સરવાળે બચત જ બચત છે. પેટ્રોલની પણ અને સમયની પણ. મધરાત સુધીમાં તો તમને નાથદ્વારામાં ફેંકી દઈશ, સાહેબ’ પ્રશાંતભાઈએ શોર્ટકટ લેવાની રજા તો આપી દીધી, પણ સાથે ચેતવણીનો સૂર પણ સંભળાવી દીધો, ‘મહેશ, તારે અમને નાથદ્વારામાં પહોંચાડવાના છે, ફેંકી દેવાના નથી.’ ‘એ બધું એકનું એક.’ મહેશે ગાડીને વળાંક આપતાં જવાબ આપ્યો, આ અમારી ડ્રાઇવરોની ભાષા છે સાહેબ, તમને નહીં સમજાય.’ પ્રશાંતભાઈ શાંત થઈ ગયા. એમનું માનવું હતું કે ગાડી ચલાવતા ડ્રાઇવર સાથે કોઈએ વધારે પડતી વાતો ન કરવી જોઈએ, એમ કરવાથી એનું કોન્સ્ટ્રેશન તૂટી જાય અને એક્સિડન્ટ થઈ જાય. થોડી થોડી વારે ડ્રાઇવરને જાગતો રાખવા એકાદ નાનો અમથો સવાલ પૂછી લેવાય, પણ એની સાથે દલીલબાજીમાં તો ઊતરાય જ નહીં. દૃઢ નિર્ધાર છતાં દલીલબાજીમાં ઊતરવું જ પડયું. ‘મહેશ, આ તું ક્યાં લઈ આવ્યો? તું તો કહેતો’તો ને કે રસ્તો સારો છે. આ તો એવું લાગે છે જાણે આપણી ગાડી હિ‌માલયન કાર રેલીમાં ભાગ લઈ રહી હોય’ ખરેખર એવું જ હતું. રસ્તો ડામરનો હશે કોઈ કાળે, પણ અત્યારે તો ખાડાખૈયાવાળો હતો. ગાડી દર દોઢ મિનિટે ઊંચકાતી અને પછડાતી હતી. પ્રશાંતભાઈ અને પાછળની સીટમાં બેઠેલાં એમનાં પત્ની શોભાબહેનનાં આંતરડાં છાશની દોણીમાં વલોણી ઘૂમતી હોય એ રીતે વળ ખાઈ રહ્યાં હતાં સૌથી ખરાબ હાલત એક વર્ષના દીકરાની હતી. શોભાના ખોળામાં પેટ ભરીને જંપી ગયેલું બાળક ત્રણ વાર ઊછળ્યું, એમાં તો એની હોજરીમાં ગયેલું દૂધ ફોદા ફોદા થઈને વમનરૂપે બહાર આવી ગયું. એણે ચીસો પાડીને રડવાનું શરૂી કરી દીધું. પ્રશાંતભાઈએ કહી દીધું, ‘ભાઈ, મહેશ બહુ થયું. ચાલ, ગાડી પાછી લઈ લે. આપણા માટે હાઇવે જ ઠીક રહેશે.’ ‘ના, સાહેબ હું આ રસ્તાનો અનુભવી છું. આ તો ચોમાસું હમણાં જ ગયું છે એટલે ડામર ઊખડી ગયો લાગે છે, પણ હું માનું છું કે આટલો ટુકડો જ ખરાબ હશે, આગળ જતાં વાંધો નહીં આવે.’ વાંધો આવ્યો અને ખૂબ મોટો આવ્યો. અંધારું વધતું જતું હતું, સડક વધારે ને વધારે ખરાબ થતી જતી હતી. હાલત એવી થઈ ગઈ હતી કે હવે પાછા ફરવાનું પણ અશક્ય થઈ ગયું હતું. આટલું ઓછું હોય તેમ એમ્બેસેડર અચાનક ચિત્રવિચિત્ર અવાજ સાથે એક તરફ ખેંચાઈને ઊભી રહી ગઈ. ફટાકડા જેવો અવાજ અને પછી વ્હીલનો જમીન ઉપર ઘસાવાનો અવાજ. ડ્રાઇવર સમજી ગયો, ‘સાહેબ, ભારે થઈ ગાડીનું ટાયર બર્સ્ટ થયું લાગે છે.’ ‘ઓહ્ નો હવે શું થશે?’ પ્રશાંતભાઈના હોશકોશ ઊડી ગયા. ઘોર અંધારું. સૂમસામ રસ્તો. સાથમાં યુવાન પત્ની અને નાનું બાળક. એમણે છેલ્લું તરણું પકડયું, ‘મહેશ, ગાડીના સ્પેર વ્હીલમાં હવા તો છે ને?’ ‘હા, સાહેબ પણ આપણી પાસે ‘જેક’ નથી. અત્યારે આવા નિર્જન સ્થળે કોઈની મદદ મળે એવી શક્યતા પણ નથી. હવે તો સવાર પડે ત્યાં સુધી ગાડીમાં જ રાત…’ ‘ત્યાં દૂર કંઈક પ્રકાશ જેવું દેખાય છે. તું જઈને તપાસ કરી આવ. અમે ગાડીમાં બેઠાં છીએ, પણ જલદી પાછો આવજે હોં, ભાઈ, અહીં મને તો સલામતી જેવું લાગતું નથી.’ પ્રશાંતભાઈનો અવાજ ધ્રૂજતો હતો, ઠંડીથી અને ડરથી. થોડી વારમાં મહેશ પાછો ફર્યો. સારા સમાચાર લઈને આવ્યો હતો, ‘ચાલો, સાહેબ, આજની રાત રહેવા માટેની વ્યવસ્થા થઈ જશે. સામાન સાથે લઈ લો. ખેતરમાં નાની ઝૂંપડી છે. ખેતમજૂર સાથે વાત કરી લીધી છે. બાપડો ગરીબ માણસ છે, પણ માનવતા ખાતર એણે હા પાડી છે. પગે ચાલીને સાડા ત્રણ જણા ખેતરના સામા છેડે આવેલી ઝૂંપડી આગળ જઈ પહોંચ્યા. કાચી માટીનું ઝૂંપડું હતું. માથે ઘાસ-ફૂસથી છાયેલું છાપરું. ફાનસના પીળા ઉજાસમાં મેલાંઘેલાં કપડાં પહેરીને મજૂર બેઠો હતો. પચાસેકનો દેખાતો હતો. એની પત્ની પિસ્તાળીસની હશે, પણ પંચાવન વરસની લાગતી હતી. ‘આવો, સાહેબ તમારે રહેવા લાયક તો અમારી ઝૂંપડી નથી, પણ…’ મજૂર બે હાથ જોડીને ભાંગીતૂટી બોલીમાં આવકાર આપી રહ્યો. ‘એવું ન બોલશો, ભાઈ, અત્યારે તો આ ઝૂંપડી અમારે મન ફાઈવ સ્ટાર હોટલ કરતાંય વધારે સારી જગ્યા છે. અમારી ચિંતા છોડો. ફક્ત મારા આ દીકરા માટે થોડુંક દૂધ હોય તો…’ ગરીબ ખેડૂત અમીર માણસની જેમ હસી પડયો. એની પત્નીએ ચૂલો પેટાવ્યો. દૂધ ગરમ કરી આપ્યું. નાના દીકરાનો પ્રશ્ન તો હલ થઈ ગયો. પછી બાઈ રોટલા ઘડવા બેઠી. ઘરમાં ઘઉં કે બાજરો તો ન હતા, પણ મકાઈ હતી. એણે ચાર-પાંચ રોટલા ઘડી આપ્યા. તાંસળામાં દૂધ પીરસ્યું. પતિ ક્ષમાયાચના કરી રહ્યો, ‘સાહેબ, આટલું જ છે. જમી લ્યો.’ પ્રશાંતભાઈ, શોભાબહેન અને મહેશ પલાંઠીવાળીને જમવા બેઠા. અચાનક શોભાએ પૂછયું, ‘બહેન, તમને કંઈ થયું છે? હું ક્યારનીયે જોઉં છું કે તમને ઊઠવા-બેસવામાં તકલીફ થાય છે. પગમાં…?’ ‘પગમાં નહીં, બે’ન, પણ એને પેટની તકલીફ છે.’ જવાબ પુરુષે આપ્યો, ‘બે વરસથી પેટમાં ગાંઠ થઈ છે. દા’ડે દા’ડે મોટી થતી જાય છે. ડોક્ટરને બતાવ્યું તો ઓપરેશનનું કીધું. અમારે રાજસ્થાનમાં સારાં દવાખાનાં નથી. નજીકના શહેરમાં જઈએ તો ખર્ચા વધી જાય.’ ‘તમારી પાસે રિપોર્ટ્સ છે?’ પ્રશાંતભાઈએ પૂછયું, પુરુષે વળગણી ઉપર લટકાવેલી થેલીમાંથી કાગળો કાઢીને એમના હાથમાં મૂક્યા. પ્રશાંતભાઈએ વાંચ્યા અને પછી ચૂપચાપ પાછા સોંપી દીધા. એ રાત ત્રણેય પુરુષોએ ઝૂંપડીની બહાર ખુલ્લા ખેતરમાં ઢાળેલા ખાટલાઓમાં વિતાવી દીધી. શોભાબહેન દીકરાની સાથે ઝૂંપડીમાં બફાતાં રહ્યાં. સવારે ડ્રાઇવર ગમે ત્યાંથી મદદ લઈ આવ્યો. ટાયર બદલાવી દીધું. પ્રશાંતભાઈએ સો રૂપિયા મજૂરને આપવાની ખૂબ કોશિશ કરી, પણ એણે લીધા નહીં. ઊલટું એના ચહેરા ઉપર તો વસવસો ઝલકતો હતો, ‘સાહેબ, તમારા જેવા સુંવાળા માણસને અમે સારી સગવડ આપી શક્યા નહીં.’ પ્રશાંતભાઈએ વધારે આગ્રહ ન કર્યો. ગાડીમાં બેસીને ડ્રાઇવરને આટલું જ કહ્યું, ‘ભાઈ, ગાડી પછી વાળી લે. ભગવાનનાં દર્શન અહીં જ થઈ ગયા. હવે શ્રીનાથજી આગળ જવાની જરૂર નથી.’ વર્ષો પહેલાંની વાત છે. પ્રશાંતભાઈ ત્યારે સાબરકાંઠા જિલ્લાના એક શહેરમાં આવેલી ચેરિટેબલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા. શોભાબહેન સ્વયં ગાયનેકોલોજિસ્ટ હતાં. દિવાળીની રજાઓમાં ગાડી લઈને નાથદ્વારા જવા નીકળ્યાં હતાં. તહેવારો પૂરા થયા. પછી એક અચરજ જેવી ઘટના બની ગઈ. એક એમ્બેસેડર કાર એક ગરીબ ખેતમજૂરના ઝૂંપડા આગળ આવીને ઊભી રહી. એમાંથી ડ્રાઇવર નીચે ઊતર્યો. મજૂર અને એની પત્નીને માનપૂર્વક ગાડીમાં બેસાડીને બાજુના શહેરમાં લઈ ગયો. સુંદર સાર્વજનિક હોસ્પિટલમાં એ ગરીબ સ્ત્રીનાં ઓવેરીયન સિસ્ટનું ઓપરેશન ડો. શોભાબહેનના હાથે પાર પાડવામાં આવ્યું. બિલ પેટે એક પૈસો પણ ન લેવામાં આવ્યો. જેટલા દિવસ એ લોકો હોસ્પિટલમાં રહ્યાં, ભોજન સુપરિન્ટેન્ડેન્ટ સાહેબના ઘરેથી મોકલાતું રહ્યું. અને આઠમા દિવસે મહેશ બંને જણાને ગાડીમાં બેસાડીને પાછો મૂકી ગયો. સાથે ડોક્ટર દંપતીએ આપેલા પ્રેમનાં પોટલાં જેવી આઠ-દસ ગાંસડીઓ પણ મૂકતો ગયો. પુરુષ ‘ના-ના’ કરતો રહ્યો, પણ મહેશ શેનો માને એણે કહી દીધું, ‘આ બધું તમારે રાખવું જ પડશે. ડોક્ટરસાહેબનો હુકમ છે. જો ન રાખવું હોય તો હવે પછી અડધી રાતે આવી ચડેલા કોઈ અજાણ્યા અતિથિને મકાઈના મીઠા રોટલા ન જમાડશો. ચાલો હું જાઉં છું.’’

Comments

Popular Posts